Logo

Adani @ Rath Yatra

All Stories

ભગવાન જગન્નાથના ચમત્કારને સાદર નમસ્કાર!

ભારતના ચાર ધામોમાંનુ એક પુરી જગન્નાથ ભગવાનનું મંદિર અનેક રહસ્યો અને વિવિધ ચમત્કારોથી ભરેલુ છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, અહીં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. કહેવાય છે કે પ્રભાસ પાટણમાં કૃષ્ણનો દેહત્યાગ થયો હતો પરંતુ તેમનું હૃદય સમુદ્ર માર્ગે જગન્નાથ પુરી પહોંચ્યું હતું. એટલે આ જગન્નાથ મંદિરમાં ભગવાનનું હૃદય ધબકે છે. દુનિયાનાં તમામ દેશોના પૂજાસ્થળો પૈકી સૌથી મોટું રસોઈઘર જગન્નાથ મંદિરનું છે. રોજ નવા માટીનાં વાસણોમાં રસોઈ બને છે. લાખો ભક્તો પ્રસાદ લેતા હોવા છતાંય તે રસોઈ ક્યારેય ખૂટતી નથી.

જગતના નાથ હોવાથી તેઓ જગન્નાથ કહેવાય છે. ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન દેવા વર્ષમાં એકવાર જગન્નાથ નગરચર્યાએ નીકળે તેને રથયાત્રા કહેવાય છે. આ રથયાત્રાનું પુણ્ય ૧૦૦ યજ્ઞો સમાન હોવાનું મનાય છે. ભગવાનને છપ્પન ભોગ ધરાવામાં આવે છે. નીચે વર્ણવેલા જગન્નાથ મંદિરના એવા રહસ્યો અને ચમત્કારો સાંભળીને આપ પણ અચૂક નમસ્કાર કરશો.

• જગન્નાથ મંદિરની ઉપર રાખેલ ધજા હંમેશા પવનની વિરૂધ્ધ દિશામાં જ લહેરાય છે. આનું કારણ આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી, વળી દરરોજ મંદિર પર નવી ધજા ચઢાવાય છે.
• પુરીનું આ મંદિર ચાર લાખ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલું તેની ઉંચાઈ ૨૧૪ મીટર છે.
ભોંયતળીયેથી શિખરનાનાં દર્શન કરવા અસંભવ છે, તેના ઘુમ્મટનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી.
• મંદિરની ઉપર સ્થિત ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની વિશિષ્ટતા એ છે કે પુરીમાં ગમે ત્યાંથી તેના દર્શન કરી શકાય છે. એટલું જ નહીં, નગરમાં ગમે ત્યાંથી દર્શન કરો સુદર્શન સમક્ષ જ દેખાય છે.
• આજ સુધી જગન્નાથ પુરી મંદિર ઉપર કોઈ પક્ષી બેઠેલું કે ઉડતું જોવા મળ્યું નથી. એટલું જ નહીં, હેલીકોપ્ટર કે એરોપ્લેન પણ ઉડાન ભરતા નથી.
• દરરોજ સાંજે મંદિરના પુજારી ઉલટી દીશાથી ઉપર ચઢી ધજા બદલાવે છે. ધજા પણ એટલી ભવ્ય હોય છે કે એ જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે. ધજા ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે.
• જગન્નાથના રસોડામાં ૫૦૦ રસોઈયા છે. ગમે તેટલા ભક્તો આવે રસોઈ ખુટતી નથી. પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે.
• પ્રાચીન દૈવી વિધિપૂર્વક મહાપ્રસાદ બનાવાય છે. જેમાં માટીનાં એક ઉપર એક એવા સાત વાસણો રાખીને બનાવાય છે. રહસ્યતો એ છે કે, સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચેના વાસણની રસોઈ છેલ્લે તૈયાર થાય છે.
• મંદિરની અંદર પ્રવેશતા જ સમુદ્રના લહેરો કે ભરતી-ઓટના ધ્વનિ-સાંભળવાનું આપોઆપ બંધ થઈ જાય છે.
• જગન્નાથ મંદિરમાં રહેલી મુખ્ય ત્રણ મૂર્તિઓ ભાઈ બલરામ બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણને દર બાર વરસે બદલી નાંખવામાં આવે છે.
• આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં લાકડાની શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની અધૂરી મૂર્તિઓ બિરાજમાન છે.

કહેવાય છે કે આ મંદિરનાં હજારો રહસ્યો હજુ વણઉકલ્યા છે. તેમાં અનેક રહસ્યમય પુસ્તકો, શાસ્ત્રો તેમજ ખજાનો હોવાની પણ વાત છે.

All Stories