Adani @ Rath Yatra
જગન્નાથ પુરીની પવિત્ર રથયાત્રા બાદ વિશાળકાય રથો ક્યાં જાય છે?
વિશ્વવિખ્યાત જગન્નાથપુરીની રથયાત્રામાં ત્રણ રથનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરાગત રીતે
બનાવેલા એ તમામ રથોમાં એકપણ ખીલો મારવામાં આવતો નથી. જગન્નાથજીના રથને 'નંદી ઘોષ' અથવા
'ગરુડ ધ્વજ' કહેવામાં આવે છે. બલરામજીના રથને 'તાલ ધ્વજ' કહેવામાં આવે છે. સુભદ્રાજીના
રથને 'દર્પદલન પદ્મ' રથ કહેવામાં આવે છે. આ રથની ઊંચાઈ અને પૈડાઓની સંખ્યા અલગ અલગ છે.
જગન્નાથ યાત્રા માટે રથનું નિર્માણ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે શરૂ થાય છે. વૈશાખ
મહિનાના શુક્લ પક્ષના ત્રીજો દિવસે સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે. રથના
નિર્માણ પહેલાં મુખ્ય મંદિરની સામે ખાસ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ત્રણેય રથો
બનાવવા જંગલોમાંથી લગભગ ૧૧૦૦ મોટા લાકડા અને ૮૬૫ ફૂટ લાંબા નાના લાકડાનો ઉપયોગ થાય છે.
રથને બનાવવા ખાસ કારીગરોની એક ટીમમાં સુથાર, લુહાર, કોતરણીકાર, ચિત્રકાર, દરજી વગેરે
સામેલ હોય છે.
જગન્નાથ પુરીના રથયાત્રામાં ખેંચવામાં આવતા ત્રણેય રથમાં પૈડાઓની સંખ્યા અલગ-અલગ છે.
એકમાત્ર ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડા છે. જ્યારે બલભદ્રના રથમાં 14 પૈડા છે.
સુભદ્રાના રથમાં 12 પૈડા છે. એમ કુલ 42 પૈડાને ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવે છે.
રથયાત્રા બાદ આ તમામ રથોના પૈડાને ભક્તો મેળવી શકે છે.
ભગવાન જગન્નાથના રથનો એક મહત્વપૂર્ણ ભાગ શ્રદ્ધાળુઓ તેમના ઘરે પણ લઈ જઈ શકે છો. યાત્રા
બાદ રથના કેટલાક ભાગોની હરાજી કરવામાં આવે છે. જેમાં રથના પૈડાઓનો પણ સમાવેશ થાય છે.
ભગવાનની રથયાત્રા સાથે જોડાયેલ વસ્તુઓ પૈકી કંઈક મેળવવા માંગતા ભક્તો માટે એ એક સુવર્ણ
તક હોય છે.
રથના ચક્ર અને અન્ય વસ્તુઓની હરાજીની સંપૂર્ણ માહિતી ભગવાન જગન્નાથની સત્તાવાર વેબસાઇટ
પર આપવામાં આવે છે. રથનું ચક્ર સૌથી ખાસ હોય છે અને તેની કિંમત 50,000 રૂપિયાથી શરૂ થાય
છે. ભક્તોએ રથના પવિત્ર ભાગો ખરીદવા માટે અરજી કરવી પડે છે. જો કે મંદિર એ વાતની પૂરી
ખાતરી કરે છે કે રથયાત્રાથી જોડાએલી કોઈપણ ચીજવસ્તુનો દુરુપયોગ ન થાય.
રથયાત્રા પૂર્ણ થયા બાદ પવિત્ર રથના બાકીના લાકડાનો ઉપયોગ પણ મંદિરમાં જ કરવામાં આવે
છે. કેટલીકવાર કેટલાક ભક્તોને તે લાકડાને પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે. તો વધારાના
લાકડાને મંદિરના રસોડામાં પણ મોકલવામાં આવે છે. તે લાકડાનો ઉપયોગ દેવતાઓ માટે મહાપ્રસાદ
બનાવવા માટે કરવામાં આવે છે.